Bharat Ghelani
1 Book
જન્મ-ઉછેર-અભ્યાસ કલકત્તામાં… આજે કોલકાતા તરીકે ઓળખાતા આ મહાનગરમાં B.Sc.(ઓનર્સ)નો અભ્યાસ કર્યો. જોકે, એ અભ્યાસ દરમિયાન નક્સલવાદીઓનાં તોફાનોને કારણે પરીક્ષામાં વિક્ષેપ પડ્યો એમાં એક વર્ષ વેડફાયું, પણ…
તમાકુ-બીડીપત્તાંના વેપારમાં કલકત્તાના બહુ જ જાણીતા વેપારી પિતા મણિભાઈનો ઉત્કટ વાંચનશોખ પુત્ર ભરતને વારસામાં મળ્યો અને ‘વેડફાયેલા’ વર્ષમાં વાંચન-લેખનનો શોખ વધુ પાંગર્યો ને લેખનપ્રવૃત્તિ વધુ વિકસી. ને એ સાથે જીવનનો પ્રવાહ પલટાયો…
કલકત્તાના સુપ્રસિદ્ધ સાપ્તાહિક ‘નવરોઝ'નાં પારસી તંત્રી જાલુબહેન કાંગા તથા નવલભાઈ કાંગાના માર્ગદર્શન હેઠળ પત્રકારત્વનો પ્રારંભ.
થોડાં વર્ષ ‘નવરોઝ'માં સક્રિય પત્રકારત્વ. એ દરમિયાન ‘નવનીત સમર્પણ’, ‘મુંબઈ સમાચાર’, ‘ચાંદની’, ‘રવિવાર’, ‘આરામ’ ઉપરાંત અન્ય સામયિક-દૈનિકોમાં ટૂંકી વાર્તાઓ, લેખો પ્રગટ થતાં રહ્યાં.
‘કલકત્તા સાહિત્ય મંડળ'ની વાર્તાસ્પર્ધામાં પારિતોષિક, આઇ.એન.ટી.ની એકાંકી સ્પર્ધાઓમાં નાટ્ય દિગ્દર્શક તરીકે પણ પારિતોષિક નાટ્યસમ્રાટ પ્રવીણ જોષીના હસ્તે…
ઉપરાંત એમના દ્વારા લિખિત ત્રણ ફુલ લૅન્થ ગુજરાતી-હિન્દી નાટક પણ કલકત્તાના તખ્તા પર સાકાર થયાં.
1978-79થી સુવિખ્યાત સાપ્તાહિક ‘ચિત્રલેખા' સાથે કલકત્તાના પ્રતિનિધિ તરીકે સંકળાયા.
‘ચિત્રલેખા' માટે અનેક લેખો લખ્યા બાદ ‘ચિત્રલેખા'ના તંત્રી હરકિસનભાઈ મહેતાના વિશેષ આગ્રહથી કલકત્તાથી મુંબઈ સ્થળાંતર અને એમના સિદ્ધહસ્ત માર્ગદર્શન હેઠળ ગુજરાતી પત્રકારત્વમાં સક્રિય પ્રવેશ.
શરૂઆતમાં ‘ચિત્રલેખા'ના પ્રતિનિધિ અને પછી સહતંત્રી તરીકે બાંગ્લાદેશ વાવાઝોડું, ભોપાલ ગૅસકાંડ, બેંગલોર પ્લેન તથા મહિસુરમાં ટીપુ સુલતાન સિરિયલના સેટ પર દુર્ઘટના, વગેરે વગેરે, સમગ્ર ગુજરાતી પત્રકારત્વમાં જેની નોંધ લેવી પડે એવા યાદગાર લેખોનું સર્જન.
ભરત ઘેલાણી દ્વારા ભારતની પ્રથમ ટેસ્ટટ્યૂબ બેબી હર્ષા ચાવડાની જન્મકથાનો સચિત્ર-સવિસ્તર લેખ ‘ચિત્રલેખા'ના ઇતિહાસમાં શિરમોર તથા સિદ્ધિરૂપ બની રહ્યો. એ લેખ – એ વિશષાંક સાથે ‘ચિત્રલેખા'નો ફેલાવો બે લાખ 83 હજાર સુધી પહોંચ્યો, જે ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં આજે પણ એક વિક્રમ ગણાય છે.
પથદર્શક હરકિસન મહેતાના અવસાન પછી 1998થી ‘ચિત્રલેખા'ના કાર્યવાહક તંત્રી તરીકે વરણી અને પછીનાં 22 વર્ષથી સૌથી વધુ વેચાતા-વંચાતા સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા'ના તંત્રી તરીકે યુવા પત્રકારોની ટીમ સાથે યશસ્વી કામગીરી બજાવીને સિદ્ધિનાં અનેક શિખર સર કર્યાં...
આ દરમિયાન ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે એમના પ્રદાનને બિરદાવવા કલકત્તા-મુંબઈ-ગુજરાત તથા લંડન-અમેરિકાની ઘણી સંસ્થાઓ તરફથી એમને પારિતોષિકો પણ પ્રાપ્ત થયાં છે.
એ જ રીતે ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કર્ષ કામગીરી બદલ અતિપ્રતિષ્ઠિત ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક-2008’ પણ ભરત ઘેલાણીને એનાયત થયો છે.
પત્રકાર તેમ જ તંત્રી તરીકે 42-43 વર્ષની યશસ્વી કામગીરી બજાવ્યા પછી ‘ચિત્રલેખા'ના ‘સિનિયર વાઇસ પ્રેસિડન્ટ’ સાથે ‘મુખ્ય સલાહકાર તંત્રી’ તરીકે પણ બઢતી આપવામાં આવી, પરંતુ સક્રિય-સકારાત્મક ને સર્જનાત્મક ક્ષેત્રે વધુ રસ હોવાથી ભરત ઘેલાણીએ સ્વૈચ્છિક રીતે સર્જક – પત્રકાર તરીકે નવી જ દિશામાં કામગીરી બજાવવાનું નક્કી કર્યું છે. એમની ચાર કૉલમ દર અઠવાડિયે મુંબઈ-રાજકોટ-કચ્છ-સુરતનાં પ્રતિષ્ઠિત વર્તમાનપત્રોમાં પ્રગટ થઈ રહી છે.
હાલમાં પ્રતિષ્ઠિત અખબાર ‘મુંબઈ સમાચાર’ના મૅગેઝિન એડિટર તરીકે કામગીરી બજાવી રહ્યા છે.
અત્યાર સુધી ધારાવાહિક નવલકથા - ‘દૌડ’
(‘નવરોઝ’) અને નવલકથા ‘ખેલ ખતરનાક’ તથા ‘કાતિલ કાર્ટેલ’ પાર્થ નાણાવટી સાથે ‘મિડ-ડે’માં પ્રકાશિત થઈ છે.
પરિવારમાં પત્ની વર્ષા અને પુત્રી ઈશિતા છે…!