ઇતિહાસ ન તો ડાબેરી કે જમણેરી, પરંતુ તટસ્થ વાસ્તવિક હોવો જોઈએ. ન્યાયાધીશ જેમ સાક્ષી, પુરાવા તપાસી ન્યાય આપે છે, તેમ ઇતિહાસકારે પણ ઐતિહાસિક ઘટનાઓનું તટસ્થ વિશ્લેષણ કરવું પડે. રાજ્યાશ્રયી અને ચોક્કસ વિચારધારા ધરાવતા ઇતિહાસકારો માત્ર પોતાને ગમે તેવો ઇતિહાસ લખે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ સુલતાનો, નવાબો, બાદશાહો તરફી તો અંગ્રેજ ઇતિહાસકારોએ તેમના ઉચ્ચ હોવાના અહંથી ઇતિહાસ લખ્યા.
આ સંગ્રહની સત્તર વાર્તાઓ રાજા જયપાલદેવ અને મહમૂદ ગજનીના આક્રમણોથી લઈ ગુજરાતના કર્ણદેવ વાઘેલાના પતન સુધીનાં લગભગ 400 વર્ષના વિશાળ ફલક ઉપર બનેલી જુદી જુદી ઐતિહાસિક ઘટનાઓને વિષયવસ્તુ તરીકે આલેખે છે.
વાસ્તવમાં મહમૂદ ગઝની અને મહમૂદ ઘોરી ભારતમાં કેવળ મુસ્લિમ તરીકે નહીં પરંતુ રાજન્ય તરીકે આવ્યા હતા. તેમણે મુસ્લિમ રાજાઓ પર આક્રમણ કર્યાં હતાં જ. એક ખ્યાલ એવો પ્રવર્તે છે કે મુસ્લિમ આક્રમણ સામે હિન્દુ રાજાઓ લડ્યા નહોતા. આ સાચું નથી. સિંધમાં દાહરને હરાવી મોહમ્મદ બિન કાસિમે આરબ સામ્રાજ્ય સ્થાપ્યું તે પછી સામાન્યતઃ સિંધ બહાર આરબોએ આક્રમણ કર્યું નહોતું અને બસો વર્ષ સિંધમાં રહ્યા હતા. અલબત્ત વલભીપુરનો વિનાશ કર્યો હતો. મહમૂદ ગઝનીના અગિયારમી સદીના આક્રમણ પછી દોઢસો વર્ષે મહમૂદ ઘોરી આવ્યો, ત્યાં સુધી ભારતના રાજાઓ અંદરોઅંદર લડતા જ રહ્યા હતા. પરંતુ ગઝનીનો પેશાવરના હિન્દુ શાહીય રાજાઓએ ત્રણ ત્રણ પેઢી સુધી સામનો કર્યો હતો. પૃથ્વીરાજે અને `દેશદ્રોહી’ તરીકે વગોવાયેલા જયચંદે ઘોરીનો સંયુક્ત સામનો કર્યો હતો. ગુજરાતની નાયિકાદેવીએ ઘોરીને હરાવ્યો પણ હતો. મહમૂદ ગઝનીના અને ખલજીનાં આક્રમણનો સામનો કનોજ, સાંભર કે ગુર્જર રાજાઓ કરી શક્યા નહોતા. ગુજરાતના બે રાજાઓ ભીમદેવ અને કરણ વાઘેલા રાજધાની પાટણ છોડી નાસી ગયા હતા!
લેખકે ઘણા ઐતિહાસિક દસ્તાવેજો અને ગ્રંથોની મદદથી સત્યને રજૂ કર્યું છે. તેમણે જોયેલો, જાણેલો અને ચકાસેલો ઇતિહાસ અહીં એમણે લેખે લીધો છે. ભારતીય રાજ્યશાસનમાં છેલ્લી સદીઓમાં થયેલાં અગણિત પરિવર્તનો વચ્ચે ઇતિહાસની એવી કેટલીય જિવાયેલી ક્ષણો અહીં સજીવન પામી છે. એ દૃષ્ટિકોણથી સંગ્રહનું મૂલ્ય ઐતિહાસિક છે.
અનેક ઐતિહાસિક સત્યો દ્વારા સાચા ઇતિહાસનો પરિચય કરાવતી આ કથાઓ તમને ચોક્કસ ગમશે.
Be the first to review “Somnathdhwans”
You must be logged in to post a review.