સર્જન માટે શબ્દોને સાધવા પડે છે, અર્થની આરાધના કરવી પડે છે, મર્મને માણવા પડે છે અને સંવેદનાને સીંચવી પડે છે. જે દિલથી લખાય છે એ જ સીધું દિલને સ્પર્શે છે. દિલનો એકાદ તાર રણઝણે છે અને મોઢામાંથી શબ્દો સરી પડે છે કે, ‘વાહ ક્યા બાત હૈ!’ હરદ્વારના આ ‘કલરવ’માં એટલા બધા ટહુકા છે જે વાચકને થોડીક ક્ષણો ખોવાઈ જવા માટે મજબૂર કરે છે.
હરદ્વારના શબ્દોમાં એનું અલગારીપણું, બેફિકરાઈની સાથોસાથ ઊંડાણ અને આત્મીયતા પણ વર્તાઈ આવે છે. કંઈ કેટલુંય દિલમાં લઈને ફરતો આ માણસ છે. ઘણું બધું ભોંમાં ભંડારીને હસતા રહેવું એ કળા હસ્તગત કરવા માટે કલેજું જોઈએ. હરદ્વારનું ભાવવિશ્વ તેના લેખોમાં ઊડીને આંખે વળગે છે. ‘અસ્તિત્વના આકાશમાં મનનું મેધધનુષ્ય’ લેખમાં હરદ્વાર લખે છે કે, કેટલાકને દુ:ખી રહેવાની ટેવ પડી જાય છે. દિવસમાં અનેક સ્માઇલી મૉમેન્ટ સામે મળતી હોય છે પણ આપણે એને હેલ્લો કહેવાનું ચૂકી જઈએ છીએ.
હરદ્વાર વાચકનો હાથ પકડીને નીકળી પડે છે અને એવા ભાવવિશ્વમાં લટાર મરાવે છે જ્યાં કોઈ અભાવ નથી, કોઈ અધૂરપ નથી, કોઈ તલસાટ નથી કે નથી કોઈ તરફડાટ. બસ હળવાશ છે, હાશ છે, હરખ છે અને હરદ્વાર છે.
-કૃષ્ણકાંત ઉનડકટ
Be the first to review “Kalrav”
You must be logged in to post a review.