ભરત વિંઝુડાએ ગઝલલેખનનો આરંભ આઠમા દાયકાથી કરેલો. ‘કંવલ કુંડલાકર’ ઉપનામથી એમની ગઝલો આ ગાળામાં સામયિકોમાં પ્રસિદ્ધ થવા લાગેલી. એ ખરું કે શરૂઆતનાં થોડાં વર્ષો બાદ એમણે તખલ્લુસ છોડીને પોતાનાં અસલ નામથી જ ગઝલો પ્રગટ કરવા માંડેલી.
વિશિષ્ટ રચનાકસબ, ભાષાની સાદગી અને ભાવની તાજગીને લઈ એમની ગઝલોએ આરંભથી જ સૌનું ધ્યાન ખેંચેલું. એટલે કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ થાય એ પૂર્વે જ રમેશ પારેખ જેવા સુજ્ઞ કવિએ 1984માં એમની કવિતાને પોંખીને આ બળકટ કાવ્યઅવાજની નોંધ લીધેલી.
એમણે આજપર્યંત સાતત્યપૂર્વક ગઝલલેખન કરતાં તેર ગઝલસંગ્રહો આપ્યા છે. ગઝલની પરંપરાને પચાવીને પોતીકો કાવ્યઅવાજ નિપજાવવામાં જ નહીં, એને સતત સતેજ રાખવામાં પણ આ કવિ સફળ રહ્યા છે. કવિનો પ્રમુખ કાવ્યવિશેષ ભાષાની સાદગી અને ભાવની સંકુલતામાં રહેલો છે. સાદગીભર્યા લિબાસમાં જ કોઈ કાવ્યચમત્કૃતિ સાધી સંકુલ ભાવને સમાહિત કરી આપવો એ આ કવિનો જાણીતો કાવ્યકસબ છે. આ કવિની કાવ્યસૃષ્ટિ નિતનવી કલ્પનાઓ, અવનવી ધારણાઓ અને અવધારણાઓથી હરીભરી છે.
આજની ગુજરાતી ગઝલની ગાજવીજ વચ્ચે આ કવિના કાવ્યઅવાજે એની નિજી ઓળખ અકબંધ રાખવાની સભાનતા દાખવી છે. એ ગુજરાતી કાવ્યજગતનું અહોભાગ્ય છે અને સંખ્યા-સત્ત્વથી સમૃદ્ધ એમની ગઝલસૃષ્ટિ ગુજરાતી ગઝલનું ગરવું શૃંગ છે.
– કેસર મકવાણા

























Be the first to review “Swapnasukha”
You must be logged in to post a review.