ગાંધીજીને માપવાની નહીં, પામવાની કોશિશ
મહાત્મા ગાંધી. દરેક ભારતીયને વિશ્વમાં માથું ઊંચું રાખવાની ઓળખ આપનાર મહાન વિભૂતિ.
ગાંધીજી પરનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય છે. હવે તો વ્હૉટ્સઍપ અને સોશિયલ મીડિયા પર એમના વિરુદ્ધની ખોટી, પાયા વગરની માહિતીનો પણ કોઈ હિસાબ નથી. ગાંધીજીને ગાળો દેવાથી, ભાંડવાથી કે એમને નકારવાથી ફર્ક માનવજાતને જ પડે, ગાંધીજીને નહીં. આપણી ધરતી પર હજી પોણી સદી પહેલાં જ મસિહાના સ્તરે એક વ્યક્તિ જીવન જીવી ગઈ અને એને આપણે પામી ન શક્યા. આપણે આજે પણ સતત, એમને માપતા રહ્યાં અને એ પણ આપણી સમજણની ટૂંકી ફૂટપટ્ટીથી. ગાંધીજી જેવડા વિરાટ સાગરનું માપ સમયાંતરે આ દેશમાં ગટરો કાઢતી રહી અને આપતી રહી છે.
આ પુસ્તકમાં એવી કોઈ પણ વાતનો પ્રતિકાર કે પ્રતિભાવ નથી. અહીં ગાંધીજીના જીવનની એવી વાતો છે, જે ઓછી જાણીતી છે. સમયે-સમયે યુવાનો સાથે, લોકો સાથે વાત કરતાં જાણી શકાયું છે કે ગાંધીજીની આત્મકથા સિવાય એમણે લખેલું અને એમના વિશે લખાયેલું ઘણું સાહિત્ય લોકો સુધી પહોંચવાનું હજી પણ બાકી છે. અનેક પુસ્તકોમાં ગાંધીજીનું જીવન ફેલાયેલું પડ્યું છે એમાંથી કેટલુંક એકઠું કરીને અહીં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.
રાષ્ટ્રને જગાડવાના વિરાટ કાર્યની સાથે કાર્યકર્તાઓના અંગત જીવન માટેના માર્ગદર્શનથી લઈને આફ્રિકાનું એમનું જીવન, ચાર્લી ચેપ્લિન સાથેની મુલાકાત કે અંગ્રેજ મહિલા મેડેલિનનું ગાંધીજી પ્રત્યેનું સમર્પણ. સરદાર વલ્લભભાઈ પટેલ સાથેના ગાંધીજીના ઉષ્માભર્યા સંબંધો જેવી અનેક વિશિષ્ટ વાતો અહીં છે. જેલવાસ દરમિયાન ગાંધીજી રમૂજ કરતા અને સંગીત પણ માણતા એવી સૂક્ષ્મ ઘટનાઓની ઝલક પણ છે. પુસ્તકના નામ મુજબ અહીં વિવિધ ગાંધીગુણોની રસપ્રદ વાતો થઈ છે.
ગાંધીજી વિશે ઓછું જાણતી કોઈ પણ વ્યક્તિ માટે ગાંધીજીને પામવાની અહીં તક છે.
– જ્વલંત છાયા
Be the first to review “Pyare Sun Gandhigun”
You must be logged in to post a review.