ધર્મ એટલે શું? આર્ષદ્રષ્ટાઓ કહે છે, धारयति ईति धर्मः જે ધારણ કરે છે એ ધર્મ છે. ધર્મ એ છે જે સદા નૂતન છે. સમયના વહેણનો જેના પર કાટ નથી ચડતો એ ધર્મ છે. શિવ એ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના દેવતા છે. પરંતુ શિવસ્વરૂપ એ આધુનિક વિશ્વની વિડંબનાઓ ઓળંગવાનું પ્રેરક પ્રતીક પણ છે. તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહ્યા છો? કામના ભારણનો તણાવ અનુભવો છો? નિષ્ફળતાથી હતાશા અનુભવો છો? તો એ દરેક વખતે શિવ સ્વરૂપ સમાધાન આપનારું બનશે.
આદિ શંકરાચાર્યએ કહ્યું છેઃ न शिवः शक्तिरहितः शक्तिः शिवविना न च. શિવ નિરપેક્ષ ઊર્જા યાને Absolute Energy છે. શિવની છાયામાં શક્તિ વ્યાપે છે, જે શિવની ચેતનાને ગતિશીલ અર્થાત્ Dynamic બનાવે છે. બંને પરસ્પરના પૂરક બને ત્યારે ઊર્જાની ઊર્ધ્વગતિ Thermodynamic થવાય. પદાર્થવિજ્ઞાનને લાગુ પડતો આ સિદ્ધાંત જો સમજાય તો જીવનમાં પણ એટલો જ ઉપયોગી છે. નર્યો પ્રયત્ન નિરર્થક છે, પરંતુ પ્રયત્નમાં જ્યારે શુભ હેતુ ઉમેરાય ત્યારે એ સાર્થક બને. એટલે જ કહેવાયું છે કે उभयाङ्गशोभितं वन्दे पार्वतीपरमेश्वरम्.
પ્રસ્તુત પુસ્તક ‘શિવ આપણા Role Model’માં લેખક સંજય ભટ્ટે શિવ સ્વરૂપને વર્તમાનની જરૂરિયાતો સાથે સાંકળવાનો અનોખો, અભિનવ અને ઉપયોગી પ્રયત્ન કર્યો છે. શિવ એટલે કરુણા, શિવ એટલે કલ્યાણની ખેવના, શિવ એટલે સમાનતા, શિવ એટલે મોક્ષ એવાં વિવિધ અર્થઘટનો સાથે તેમણે શિવોપાસનાને વ્યક્તિત્વઘડતર સાથે જોડી છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ભગવાન શિવ વિશે અઢળક લખાયું જ હોય, પરંતુ શિવસ્વરૂપમાંથી આવા જીવનપૂરક અર્થ તારવવાનો પ્રયાસ સર્વથા આવકાર્ય અને અભિનંદનને પાત્ર છે. આ પુસ્તક શિવની ઉપાસનાને નવો આયામ આપનારું બની રહેશે.
ધૈવત ત્રિવેદી



















Be the first to review “Shiv Aapana Role Model”
You must be logged in to post a review.