છેલ્લા છ દાયકા જેટલા સમયથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સર્જન યાત્રા કરી રહેલા શ્રી દિનકર જોષીના ૧૫૧ જેટલા ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચિંતનાત્મક નિબંધો, પ્રસંગ ચિત્રો, સંપાદનો ઇત્યાદિ પ્રકારોનું એમણે ઊંડું ખેડાણ કર્યું છે. શ્રીકૃષ્ણ અને ગાંધીજી આ બે એમના અભ્યાસના ખાસ પાત્રો રહ્યા છે. રામાયણ, મહાભારત તથા વેદ ઉપનિષદ જેવા ગ્રંથોને એમણે આધુનિક સંદર્ભમાં આલેખ્યા છે.
જીવનકથનાત્મક નવલકથાઓનું આલેખન એ એમનું વિશિષ્ટ પ્રદાન છે. કવિ નર્મદ, ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ, મહમદ અલી ઝીણા, રવિન્દ્રનાથ ટાગોર, તથાગત બુદ્ધ અને સરદાર પટેલના જીવન ઉપર આધારિત એમની નવલકથાઓએ એક અનોખી કેડી કંડારી છે. હરિલાલ ગાંધીના જીવન ઉપર આલેખાયેલી નવલકથા `પ્રકાશનો પડછાયો’ ઉપરથી અંગ્રેજી સહિત અનેક ભારતીય ભાષાઓમાં નાટ્યાંતરો થયા અને અંગ્રેજી તથા હિન્દીમાં એના ઉપર ચલચિત્રોનું પણ નિર્માણ થયું.
એમના સંખ્યાબંધ પુસ્તકો તથા અન્ય રચનાઓનું અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી, ઓરિયા, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ તથા જર્મન એમ વિવિધ ભાષાઓમાં અનુવાદો થયા છે. એકીસાથે છ ભાષાઓમાં એમના ૧૫ પુસ્તકો પ્રકાશિત કરવાની ઘટનાને લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં ભારતીય ભાષાઓના વિક્રમ તરીકે સ્થાન મળ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તથા સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ દ્વારા એમને પારિતોષિકો પ્રદાન થયા છે. તાજેતરમાં જ એમને જે. જે. ટી. યુનિવર્સિટી (રાજસ્થાન) દ્વારા ડી.લિટ્ની માનદ્ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાતી ભાષાઓમાં એમણે સમગ્ર મહાભારતના અનુવાદનું સંપાદન કર્યું છે, જેના ૨૦ ગ્રંથોનો સંપુટ પ્રગટ થયો છે. ગુજરાતી ભાષાના સત્ત્વશીલ ગ્રંથોને અન્ય ભાષાઓમાં પ્રકાશિત કરાવવાના ઉદ્દેશ સાથે છેલ્લા થોડા વરસોથી તેઓ ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાનના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે.
Be the first to review “Mahamanav Sardar”
You must be logged in to post a review.