બીજા વિશ્વયુદ્ધના અંત સમયે, ઇજિપ્તના કૅરો શહેરમાં, ચાર્લ્સ હેવર્ડ અને સ્માર્ટ, સુંદર અને સફળ એવી સોફિયા લિયોનાઇડ્સ એકબીજાંના પ્રેમમાં પડે છે. યુદ્ધ સમાપ્તિ બાદ ઇંગ્લૅન્ડમાં ફરી મળીને બંને લગ્ન કરવાનું નક્કી કરે છે.
હેવર્ડ ઘરે પહોંચતાં જ ‘ધ ટાઇમ્સ’માં સમાચાર વાંચે છે કે, શ્રીમંત ઉદ્યોગપતિ એરિસ્ટાઇડ લિયોનાઇડ્સની 85 વર્ષની વયે હત્યા કરવામાં આવી છે. સંયોગથી એરિસ્ટાઇડ સોફિયાના દાદા હતા. જેઓ પોતાના બહોળા પરિવાર સાથે એક વિચિત્ર મકાનમાં રહેતા હતા.
આ હત્યાને અંજામ આપનાર કોણ હશે? શંકાના દાયરામાં કોણકોણ છે?
એરિસ્ટાઇડની ઉંમરથી ઘણી નાની એવી બીજી પત્ની બ્રૅન્ડા કે સોફિયાના નાનાં ભાઈબહેનના શિક્ષક લૉરેન્સ બ્રાઉન? જેની સાથે બ્રૅન્ડાનું અફેર હોવાની અફવા પણ ચાલતી હતી.
એરિસ્ટાઇડની અપરિણીત ભાભી એડિથ કે એરિસ્ટાઇડનો પ્રિય અને નાદારીની અણીએ પહોંચેલો નિષ્ફળ વેપારી એવો મોટો પુત્ર રોજર?
કઠોર અને લાગણીહીન એવી રોજરની વૈજ્ઞાનિક પત્ની ક્લૅમેન્સી કે રોજરની ઈર્ષ્યા કરતો નાનો ભાઈ ફિલિપ?