ઘણી રે ખમ્મા…!
‘સાંઈરામ એક પ્રયોગશીલ શિક્ષક અને કલાવંત કલાકાર છે. તેમની સરસ્વતી એમને જે જે શુભ સુઝાડે તેનાથી આબાલવૃદ્ધ સૌનું ભલું થશે, એવી શ્રદ્ધા અસ્થાને નથી.’
વિશ્વ વંદનીય સંત પૂ. શ્રી મોરારી બાપુ
આ હાસ્યકાવ્ય સંગ્રહ વાચકવર્ગ માટે હાસ્યરસની છોળો તો ઉડાડે જ છે, પરંતુ માનવતાના દર્દ અને પીડાને પણ હાસ્યના ઠહકાના રૂપમાં પ્રસ્તુત કરે છે. વાચકો માટે ‘સાંઈરામના હસતાં અક્ષર’, આનંદની અનેરી અનુભૂતિનું એક માધ્યમ બની રહે તેવી હું હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું.
નામદાર રાજ્યપાલ શ્રી નવલકિશોર શર્માજી
આ કાવ્ય સંગ્રહમાં આપે ગુજરાતની ગૌરવગાથા અને શૈક્ષણિક ગીતો સાથે હાસ્ય કવિતા અને ગઝલો સમાવીને આપના આ સંગ્રહને વૈવિધ્યસભર બનાવવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહ દ્વારા સમાજને માનવમૂલ્યોનો સુંદર સંદેશો પાઠવવાનો આપનો પ્રયત્ન સફળ નીવડે તેવી અભિલાષા વ્યક્ત કરું છું.
માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી
સલીમ જેમ જહાંગીર નામ ધારણ કરી અને તખ્તનશીન થયો તેમ પ્રશાંતે ‘સાંઈરામ’ નામ ધારણ કરી ડાયરાની દુનિયામાં પ્રવેશ કર્યો. આજે ડાયરામાં સાંઈરામ આદરપૂર્વક લેવાતું નામ છે. ‘સાંઈરામના હસતા અક્ષર’ સૌને હસાવતાં રહે તેવી શુભેચ્છા…
હાસ્યના ભિષ્મપિતામહ શ્રી શાહબુદ્દીન રાઠોડ
એક શિક્ષકને શોભે એવા તારા વિનોદ ગોષ્ઠિના મર્યાદાસભર કાર્યક્રમો, મારી સાથે હજારો શિક્ષકોની છાતી ફુલાવે છે. ‘દેશ અને વેશ’ આ કૃતિ તો મારા હૃદય સોંસરવી ઊતરી ગઈ છે. ‘હસતા અક્ષર’ સફળતાની ક્ષિતિજે પહોંચે એવા આશીર્વાદ.
ડૉ. શ્રી નલિન પંડિત, શિક્ષણ નિયામક
તમે કવિતાઓમાં કટાક્ષ સાથે હાસ્યની વાતો ઘણી સારી રીતે વણી છે. નાની ઉંમરમાં સારી સારી વાતો, મોટી ઉંમરની કરી છે. જે ખાસ ધ્યાન દોરે છે.
વિખ્યાત લોકસાહિત્યકાર શ્રી ભીખુદાન ગઢવી
સાંઈરામ મહેફિલના માણસ છે, સરલતા અને અભિવ્યક્તિની બુલન્દીને વર્યા છે. એના કાવ્યોમાં ક્યાંક ઉત્સાહ, ક્યાંક ઉન્માદ, ક્યાંક વેદના, ક્યાંક બળાપો, ક્યાંક અસહાયતા આ બધું ઉડીને આંખે વળગ્યું.
પ્રસિદ્ધ કવિ શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ – મુંબઈ
એક ‘વ્યંગકર્મી’ તરીકે સાંઈનું નામ આદરથી લેવાય છે વિદેશમાં જ્યારે અમે સાથે હતાં ત્યારે કાર્યક્રમ દરમ્યાન મેં સાંઈને, શ્રોતાઓની વાહ-વાહને કાયદેસર લૂંટતા જોયો છે.
હાસ્ય સમ્રાટ શ્રી વસંત પરેશ ‘બંધુ’
હકીકતમાં તો સાંઈરામના હસતા અક્ષરની એક ‘પ્રાર્થના ચિઠ્ઠી’ મને રડાવી ગઈ છે… લોકધરમનું જે કડવું સત્ય છે જેને સાચી ભાષામાં આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે એને મીઠું કરી લોકજનતા માટે એવી અંતરની શુભકામના.
સમર્થ લોકસાહિત્યકાર શ્રી ધીરૂ સરવૈયા
સાંઈરામે વક્તવ્ય અને ગાયનમાં પોતાની લાયકાત સિધ્ધ કરી દીધી છે, અને હવે લેખનક્ષેત્રે પદ્યમાં પ્રથમ પગલું પાડી, જાણે ત્રણે ક્ષેત્રમાં કુશળતા મેળવી ત્રણ પાંખડીના બિલીપત્રનો મહાદેવ પર અભિષેક કરવા જઈ રહ્યો છે, સાંઈને ભાઈની શુભેચ્છા.
હાસ્ય કલાકાર અને લેખક શ્રી જગદીશ ત્રિવેદી
સાંઈ હાસ્યનો સર્જક છે એને આવડે છે ઈ કસબ બહુ ઓછાને સાધ્ય હોય છે. હાસ્ય વ્યંગ અને હેત પ્રિતની વાતું કાવ્યનાં રૂપમાં ઢાળીને રજૂ કરવામાં સાંઈની સિધ્ધિ છે. ઉજળા ભવિષ્યને આંબવામાં આ કવિ સક્ષમ છે.
લોક કવિ – મર્મજ્ઞ – શ્રી તખતદાન ‘અલગારી’