મહાભારતનાં પાત્રો
નાનાભાઈ ભટ્ટ
શ્રી મનુભાઈ પંચોળી `દર્શક’ તરફથી અપીલ
નાનાભાઈ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ, ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું. પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર-ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉમ્મરે લોકો પાસે ભાગવતકથા કરવાનું શરૂ કર્યું હતું.
રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણે મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારોનું રસાયણ સમજતા.
આવું રસાયણ કિશોરવયે મળે તો અમૃત જેવું કામ કરે. તેવી હોંશથી તેમણે રામાયણ તથા મહાભારતનાં પાત્રોની કથામાળા લખી.
આ કથામાળાએ એ કાળે ગુજરાતના કિશોરો-કિશોરીઓ પર જાદુ કર્યું હતું. એમને ઘેલું લગાડ્યું હતું.
આ પાત્રો માત્ર સાદી કથા નથી; પણ પોતપોતાની પરિસ્થિતિમાંથી ઊભાં થતાં તે તે પાત્રોનાં સચોટ મનોમંથનો છે. પછી તે સીતા હોય, ગાંધારી હોય, દ્રોણ કે સૂતપુત્ર કર્ણ કે પાંચાલી હોય. તેમના વાર્તાલાપો પણ આ મનોમંથનો જ બહાર લાવે છે અને તેથી વાંચનાર તેમની જોડે નિકટતા અનુભવે છે.
સાહિત્યની મૂળ શક્તિ વાંચનાર સાહિત્ય દ્વારા સમસંવેદનની શક્તિ વધારે તે છે.
નાનાભાઈનાં પાત્રો આ ગુણને કારણે સો ટચનું સોનું સિદ્ધ થયાં છે. આ પાત્રો દ્વારા નાનાભાઈએ ખરી રીતે મહાભારતનું તેમાંની જ સામગ્રી દ્વારા નવું અર્થઘટન કર્યું છે, તે તેમની શૈક્ષણિક સિદ્ધિ છે.
આર્યગ્રંથોને જમાને જમાને નવા પરિવેશમાં, જમાનાની વાણીમાં ઉતારી રજૂ કરવા પડે છે. તેથી તે સુવાચ્ય અને આવકાર્ય બને છે. તેમાં વાંચનાર પોતાનું અને પોતાના પ્રશ્નોનું દર્શન કરી શકે છે.
બધાં સંસ્કારવાંચ્છુ ઘરોમાં આ પુસ્તકો વસાવાશે તેવી મને શ્રદ્ધા છે.
Be the first to review “Mahabharat Na Patro”
You must be logged in to post a review.