સમયની થપાટ ભલભલાને થથરાવી મૂકે. મનીષ તો વારંવાર એનો ભોગ બન્યા છે, પણ શબ્દની ખુમારી એમને દરેક વખતે ઉગારી લે છે. કવિ અસહ્ય વેદનાને વ્યક્ત કર્યા વિના રહી જ ન શકે. એમ જોઈએ તો કાળના પ્રવાહમાં વ્યક્તિ મનીષને નવા નવા જખમો મળતા જ રહ્યા છે, પણ ગઝલકાર મનીષ તો હજીય જાણે કે આઠમા-નવમા દાયકામાં જ સ્થિર થયેલા છે. એમની એક નખશિખ ગઝલના ત્રણેક શે’ર જોઈએ :
‘પછીની રાત મેં એવી ગુજારી છે,
હજી એકેક શ્વાસોમાં ધ્રુજારી છે!
વરાળો શ્વાસથી છુટ્ટી નથી પડતી,
સળગતી આગ મારામાંય ઠારી છે.
હચમચાવે નગરના કોટ કિલ્લાને,
ગઝલના શબ્દની એવી ખુમારી છે.’
આપણે જોઈ રહ્યાં છીએ કે પ્રત્યેક ગામની દોટ હવે શહેર ભણીની છે. શહેર જાકારો તો નથી આપતું પણ પોતાનાય નથી બનાવતું એ કપરી વાસ્તવિકતા છે. મનીષ નામના આ કવિને શહેરનો અને તેથીય ઝાઝો ગામનો અનુભવ છે. કોઈ એક વ્યક્તિ એવી છે જેનું નામ કવિએ ભલે ન પાડ્યું હોય, તો પણ ગઝલમાં એની સંવેદનાના પડઘા જરૂર પડે છે. એના શહેરની ભૂગોળ આ કવિને નથી સમજાતી. પ્રશ્ન પણ થાય છે
‘કેમ સમજાતી નથી ભૂગોળ તારા શ્હેરની?
ક્યાંક મારામાં અટકતી પોળ તારા શ્હેરની!’
એ પછી આવતા આ બીજા શે’રની ચમત્કૃતિ જુઓ :
‘ક્યાં જઈને મૂકવો પગ, ડંખતી જાણે હવા,
મ્હેક ફરતી હોય ડામાડોળ તારા શ્હેરની.
ક્યાંય ચકરાવો નથી પૂરો થતો વરસો સુધી,
એ ગલીઓ ફેરવે છે ગોળ તારા શ્હેરની.’
– હર્ષદ ત્રિવેદી






















Be the first to review “Kshanni Pele Paar”
You must be logged in to post a review.