મહિમા શબ્દનો…
***
કોઈ એક કલમને ડાળખી ફૂટે છે અને શબ્દના રજવાડે રાજીપાની લહેર ફરી વળે છે. હવે શબ્દ નવો અવતાર લઈને, નવા વાઘા પહેરીને, નવું રૂપ ધારણ કરીને નવી જ અર્થચ્છાયાઓ સાથે પ્રગટ થશે એ વાતની ઉજવણી થવા લાગે છે. શબ્દનું નવા રૂપે અવતરણ થવું એ ગોળધાણા ખાઈને વધાવી લેવાની ઘટના છે.
શબ્દ ધસમસતા પ્રવાહની જેમ આવે છે અને જે કંઈ સખત છે, જડ છે, પથ્થરવત્ છે તેને પીગળાવે છે. શબ્દ જૂની સંભાવનાઓને ભૂંસીને નવી જ શક્યતાઓનાં દ્વાર ખોલી આપે છે. શબ્દ મામૂલી નથી, એ તો બંસરીમાં ગુંજતી ફૂંક જેવો છે, સંજીવની બૂટ્ટી જેવો છે, પારસમણી જેવો છે. એના સ્પર્શે નવજીવન પામી શકાય છે, એના સ્પર્શે લોહમાંથી સુવર્ણ બની શકાય છે. શબ્દ અણમોલ છે અને તેથી જેને જડે છે એને માટે ઈશ્વરના આશીર્વાદ સ્વરૂપ છે.
શબ્દ ભલભલાં ઉખાણાં ઉકેલવાની ચાવી છે. શબ્દ અવનવા અર્થો શોધવાની બારી છે. શબ્દ વૃક્ષને બીજ સ્વરૂપે અને બીજને વૃક્ષ સ્વરૂપે જોવાની દૃષ્ટિ આપે છે. શબ્દ જડને ચેતન અને ચેતનને ચૈતન્ય સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. શબ્દ ફાનસ છે એના અજવાળે ન દેખાતાં અનેક દૃશ્યો જોઈ શકાય છે. શબ્દ દીવો છે જે એક હૃદયથી બીજા હૃદય સુધી પ્રકાશ પહોંચાડે છે.
Be the first to review “Kalamne Dalkhi Futi”
You must be logged in to post a review.