શ્રી ભૂપેન્દ્ર મિસ્ત્રીનું મને પ્રથમ સ્મરણ છે તે તો કલકત્તા ગુજરાતી સાહિત્ય પરિષદનું. અમે અમદાવાદથી કલકત્તા ટ્રેનમાં સાથે ગયેલા. એમનું વ્યક્તિત્વ એકદમ જીવંત. ભૂપેન્દ્રભાઈ ડભોઈની કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. વર્ષો સુધી એમણે ભણાવ્યું, સાથોસાથ પોતે પણ ભણતા રહ્યા. વિદ્યાર્થીઓની ઘણી પેઢી એમણે તૈયાર કરી. પોતે પીએચ.ડી. કરવાનો નિર્ણય કર્યો ત્યારે સદ્ભાગ્યે એમને ગાઇડ તરીકે આચાર્ય શ્રી યશવંત શુક્લ મળ્યા. યશવંતભાઈએ પણ એમની અભ્યાસનિષ્ઠા ચકાસીને જ પસંદ કર્યા હશે ને? યશવંતભાઈના હાથ નીચે કામ કરીએ તો પ્રતિષ્ઠા તો આપોઆપ મળે, પરંતુ કોઈ નાની-મોટી ક્ષતિ હોય તો એ યશવંતભાઈની નજરની બહાર ન રહે એનો મોટો લાભ આ અભ્યાસને પ્રાપ્ત થયો છે.
શ્રી ભૂપેન્દ્રભાઈ પછી પણ આ દિશામાં બહુ મોટું કામ થયું નથી. અહીં ખ્યાલ આવે કે શરૂઆતમાં એમણે સાહિત્યમાં પ્રાદેશિકતા શું પદાર્થ છે એની વ્યાખ્યા કરી અને સમજૂતી આપી છે. બીજા પ્રકરણમાં, ગુજરાતીમાં પ્રાદેશિક નવલકથાઓ કઈ રીતે ઉદ્ભવી એનો એક સંક્ષેપ ઇતિહાસ આપ્યો અને પછી આપણા મહત્ત્વના છ નવલકથાકારો સર્વશ્રી ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, પીતાંબર પટેલ અને પુષ્કર ચંદરવાકરની નવલકથાઓનો અભ્યાસ રજૂ કર્યો છે. આમ પ્રતિજ્ઞાપૂર્વકની મહેનત દ્વારા સંશોધન થયું હોય અને ઘણાં વર્ષો સુધી એ અપ્રાપ્ય રહે તો અનેક વિદ્યાર્થીઓને, અધ્યાપકોને એનો લાભ ન મળે. આ અભ્યાસ એટલો સરસ છે કે ક્યારેય પણ તમે વાંચી શકો. વિવેચન પણ કેટલું રસપ્રદ હોઈ શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આશા છે કે શ્રી ભૂપેન્દ્રભાઈનું આ પુસ્તક ગુજરાતી ભાષાના વિવેચનનું એક આભૂષણ બની રહેશે.
– હર્ષદ ત્રિવેદી























Be the first to review “Gujarati Pradeshik Navalkatha”
You must be logged in to post a review.