હરિ દાદાજી સાથે હતો ત્યાં સુધી એની ઉંમર વધતી નહીં અને ઘટતી નહીં. એક ક્ષણે એ વર્તમાનમાં હોય, બીજી ક્ષણે ભૂતકાળમાં. દાદાજી એને સમયના નવાનવા કાંઠે લઈ જતા. એ દાદાજીનો કાંઠો હતો અને ન હતો. એ હરિનો કાંઠો ન હતો છતાં હતો. બંને એક એવા દરિયા સામે ઊભા રહેતા, જે ક્યાંય ન હતો.
અફાટ ધરતી પર પડેલી લાંબીલાંબી ફાટ. ઊપસેલા પોપડામાંથી પસાર થતી હવાના સિસોટી જેવા અવાજ. માથે કાળઝાળ સૂરજ. દૂરદૂર નજરે ચડતા અવનવા ભ્રમ. ચકરાવા મારી ઊંચે ચડતું અંધડ. રણવાસીઓનું બધું રણમાં શરૂ થાય અને રણમાં પૂરું થાય. રણ એમને જીવતરની કઠણાઈ દે અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવે.
એકબીજાની પાછળ ઊભેલા પહાડો એ જ હોય, છતાં બદલાતા રહે. સવારનો પહાડ. બપોરનો પહાડ. સાંજનો પહાડ. રાતે અંધારામાં પહાડોનો આભાસ રહે. અવાજો અને ગંધ પણ બદલાય. દરેક વળાંકમાં નવી ઘટના બને. પહાડોમાં જે દેખાય છે તે હોતું નથી અને હોય છે તે દેખાતું નથી. ક્યારેક તો લાગે કે આપણે રહીએ છીએ તે દુનિયા આપણી નથી હોતી.
આ સંગ્રહની ત્રણ લાંબી વાર્તાઓ ‘દરિયો,’ ‘રણ’ અને ‘પહાડ’ ઉત્તમ સર્જક વીનેશ અંતાણીની કથાસર્જનયાત્રામાં મહત્ત્વનો પડાવ છે. પરિવેશનો કલાત્મક વિનિયોગ, ભરપૂર કલ્પનાશીલતા અને સર્જનાત્મક ગદ્યથી મઘમઘતી આ વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં નવી ભાત પાડે છે.
Be the first to review “Dariyo Ran Pahad”
You must be logged in to post a review.