અનુઆધુનિક સમયના મહત્ત્વના વાર્તાકાર તરીકે નોંધપાત્ર રીતે ઉલ્લેખનીય એવા કિરીટ દૂધાતની વાર્તાઓનો સઘન અભ્યાસ આ પુસ્તકની વિશેષતા છે. કિરીટ દૂધાતની વાર્તાઓના વિષયવસ્તુનું વૈવિધ્ય, મૂડીવાદ, ઉપભોક્તાવાદ, વૈશ્વિકીકરણ આદિની અસર અનુભવતું પ્રજાજીવન, તળપદી બોલીનો સાર્થક વિનિયોગ, રચનારીતિમાં ખીલતું વાર્તાકર્મ, પ્રતીકાત્મક શીર્ષકો, ગ્રામસમાજ-નગરજીવન આદિમાં ઊપસતું અનુ-આધુનિક વલણ આદિ સર્જનવિશેષોની વિવિધ સમીક્ષકોએ નોંધ લીધી છે. લેખિકાએ આ વાર્તાઓ સમજવાની સાથે ગુજરાતી સાહિત્યના છેલ્લા ચાર દાયકાની; 1987 પછીની ટૂંકીવાર્તાની એક ભાવક તરીકે ખેવનાપૂર્વક નોંધ લીધી છે. તેમની વાર્તાપ્રીતિ આ પ્રકારના એકાધિક અભ્યાસની આશા જન્માવે છે. આજની ગુજરાતી ટૂંકીવાર્તા વિશેનું તેમનું પ્રકરણ એ માત્ર વાર્તાસૂચિ નથી. તેમની વાર્તાવાચનયાત્રાનો શ્રદ્ધેય પુરાવો છે.
અનુઆધુનિક સમયનાં નોંધપાત્ર વાર્તાકાર ડૉ. પન્ના ત્રિવેદીના માર્ગદર્શનમાં ઉર્વિકાબહેન ભાવદીક્ષિત થયાં છે, તેથી વાર્તાવિષયક ભાવયિત્રી પ્રતિભા વિકસી છે. અભ્યાસદૃષ્ટિ કેળવવાની સાથે મૌલિક અભિપ્રાય વ્યક્ત કરવાની ભાષા માટે તેમની પ્રામાણિક મથામણ ધ્યાન ખેંચે છે. ગુજરાતી સાહિત્યમાં અન્ય સ્વરૂપોની તુલનાએ ટૂંકીવાર્તાનું સાહિત્યસ્વરૂપ સ-વિશેષ સજ્જતાથી ખેડાતું રહ્યું છે, એ તથ્યનો ઉલ્લેખ કરવાની સાથે ઉર્વિકા પટેલ જેવાં નવોદિત વાર્તા-અભ્યાસીને આવકારતાં આનંદ અનુભવું છું.
– ડૉ. યોગેન્દ્ર પારેખ























Be the first to review “Anuaadhunikta Ane Vaartakar Kirit Dudhat”
You must be logged in to post a review.