શબ્દ અને અર્થના ગુણાંક જ્યારે મળતા આવે ત્યારે જે સાહિત્ય સર્જાય છે એને સહજરૂપે જ શાશ્વતીનું વરદાન મળી જાય છે! વાંચવાલાયક ગઝલો ખૂબ લખાય છે. પણ માણવાલાયક ગઝલો ખૂબ ઓછા પ્રમાણમાં લખાય છે. તમારા હાથમાં જે ગઝલસંગ્રહ છે એમાંની દરેક ગઝલ માણવાલાયક અને માણ્યા પછી મમળાવવાલાયક અચૂક છે. ગઝલગૃહમાં પ્રવેશતાં પહેલાં માણો આ જ સંગ્રહની ગઝલના કેટલાક શે’ર!
બાવન અક્ષર ભોગ ધરાવું થોડું થોડું ચાખી લે,
સંશય તારા મનમાં થાશે તાંદુલ છે કે ભાજી છે!
એમ સૂરજની જલનને ઠારવી સહેલી નથી
ચંદ્ર પાસે કોઈ જાદુ ખાસ હોવો જોઈએ
લ્હેરખીથી ફરફરે છે પાંદડું
મૂળને કેવું સ્મરે છે પાંદડું!
ઘર ફૂંકે શું થાય કબીરા
જાત ફૂંકો તો મળતા વ્હાલમ
માપદંડોથી ન સમજાય એવી રહસ્યવાદી પરંપરાનો સીધી લીટીનો વારસદાર છે આ સર્જક. દરેક ગઝલમાં નિરાળો મિજાજ લઈને આવતાં વિરલનો આ પ્રથમ ગઝલ-સંગ્રહ છે પણ તેની રચનાઓ ખૂબ પરિપક્વ છે. આ ગઝલો વાંચતા તરત જ ધ્યાન પર આવતી બાબત એ છે કે દરેક શે’ર દ્વારા કોઈ ઊર્મિ, કોઈ વાત, કોઈ અનુભવ શેર કરવાની સર્જકની મથામણ છે. વિરલની રચનાઓમાં એક નિતાંત નિજાનંદ, નાજુક પીડા સાથેની સભાન સર્જકતા સતત અનુભવાય છે. સતત એક અલગારી મસ્તીમાં મ્હાલતો આ સર્જક, એની ગઝલો દ્વારા તમારા હૈયામાં કાયમી સ્થાન પામશે એવી બળકટ શ્રદ્ધા રાખું છું.
– સાંઈરામ દવે
Be the first to review “Shabad Ek J Mila”
You must be logged in to post a review.