મહોતું (સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ)
રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું એ બંને અલગ ઘટના છે. ‘મહોતું’ સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો પણ એ કથાઓની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે અઘરું થઈ પડશે. આ કથાઓમાં લોહીલુહાણ કરી મુકે એવું વાસ્તવ સમાજની સામે દાંતિયા કરીને ઉભું છે. 21મી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ સ્થિતિમાં જીવે છે એ કરૂણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે જે એવા ખૂણાઓની વાત કરે છે, એવી પીડાઓને પંપાળે છે જેની વાત હજી સુધી કદાચ થઈ જ નથી…એ બધી કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે પછી અંગૂઠાછાપ, અદ્યતન ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતીકા માતાના વ્રતના પારણા કરતી હોય એ બંને અવસ્થામાં જીવતી સ્ત્રી વચ્ચે કોઈ ભેદ છે જ નહીં….. સ્ત્રી એ માત્ર સ્ત્રી છે જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!
કોફી સ્ટોરિઝ (એક સિપ હૂંફાળા સંબંધોને નામ!)
Coffee સ્ટોરીઝ. કૉફી કે ચાના એક કપ સાથે પૂરી થઈ જતી કથાઓ.
આપણી સંસ્કૃતિ કથા અને કથનશૈલીની સંસ્કૃતિ રહી છે. કથાઓ આપણી આસપાસ દરેક ક્ષણે જીવાતી જ હોય છે. ધબકતી હૂંફાળી કથાઓ, સમાજના ડરથી સંકોડાયેલી તર નીચે ઠરી ગયેલી કથાઓ, પહેલાં જ ઘૂંટડે કડવી ઝેર લાગતી કથાઓ તો એક એક સિપ સાથે વધુને વધુ ગળચટ્ટી બનતી કથાઓ. નજરની સામે દરરોજ ભજવાતી એવી કથાઓ જે હજુ સુધી આપણા ધ્યાનમાં જ નથી આવી અથવા એવી કથાઓ જે સતત ધ્યાનમાં તો આવી છે પણ આપણે સતત આંખો મીંચી રાખી છે. કથાઓ એવી જેમાં આપણું પોતાનું મૌન ઘૂંટાયેલું રહ્યું છે ને એ મૌનની પરિભાષાને પણ લોકો ઉકેલી જાણે છે તો એવી પણ કથાઓ જેમાં ચિલ્લાઈ ચિલ્લાઈને પીડાને પોકારવામાં આવી હોય એમ છતાં એને સાંભળનાર કોઈ નથી હોતું. દઝાડતી, ફરિયાદ કરી લાલ આંખ કરીને આપણી સામે એકધારું જોઈ રહી છે એવી કથાઓ અને જે મૂંગા મોઢે જગજૂનો અત્યાચાર વેંઢારી ઢબૂરાયેલી છે એવી કથાઓ પણ. બસ… આ પુસ્તકમાં એ બધી કથાઓ વિશે વાત કરવાનો પ્રયત્ન છે. આ `લઘુ’ કથાઓમાં રહેલો `ગુરુ’ વાચકને સ્પર્શી જાય તો કથા સદૈવ મંગલમ્! ગુજરાતી ભાષામાં લખાયેલી આ 51 એવી કથાઓ છે જે આપણી ભાષાનું હીર છે, આપણી ભાષામાં ઘૂંટાયેલાં એવા સંવેદન છે જે સતત આપણી સાથે કે આપણી આસપાસ જીવાતા રહ્યાં છે. આ કથાઓ કોઈ ઉપદેશ કે બદલાવની વાત નથી કરતી પણ વર્તમાન સ્થિતિ-પરિસ્થિતિ તરફ નક્કર આંગળી ચીંધે છે…