અખેપાતર
‘અખેપાતર’ માત્ર બિન્દુ ભટ્ટની જ નહીં, ગુજરાતી ભાષાની પણ યશસ્વી નવલકથા છે. રાષ્ટ્રીય સ્તરે પોંખાઈ ન હોત તો ય આ નવલકથા જીવતી રહેવા સર્જાયેલી છે. આમ કહેવા પાછળ એકથી વધુ કારણો છે.
પહેલું તો એ કે ૧૯૪૭માં ભારત-વિભાજન થયું એને પશ્ચાદભૂ તરીકે રાખીને ગુજરાતી ભાષામાં આમેય ઓછું લખાયું છે. અહીં એ આખો પરિવેશ પિછવાઈ તરીકે નહીં પણ જીવંત વર્તમાન બનીને આવ્યો છે. એ સમયના રાજાથી રંક સુધીના સંવેદનશીલ મનુષ્યની હાલાકી, યાતના અને સૂક્ષ્મ મનોસંચલનોને સર્જનાત્મક રીતે ઉપસાવાયાં છે.
બીજ, સૌરાષ્ટ્રમાં વસતા ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારની આર્થિક, સામાજિક અને વૈચારિક સ્થિતિઓને રીતરિવાજ સાથે અહીં આલેખવામાં આવી છે. એમાંથી એક પરિવાર મળવાની સાથોસાથ આખો સમય પણ ઉજાગર થઈ આવ્યો છે. ત્રીજું, આ નવલકથાનાં પાત્રો ગતિશીલ અને જીવંત છે. એકેએક પાત્રની આગવી ઓળખ અને વ્યક્તિત્વ એવી રીતે ઝિલાયાં છે કે એ આપણી સમક્ષ હરતાંફરતાં હોય એવું લાગે છે. એમાંય કથાની નાયિકા કંચનબા તો આગવી કોઠાસૂઝ, સમષ્ટિ પ્રત્યેના સદૂભાવ,
કુટુંબભાવના અને કદીયે નહીં ખૂટવાના જીવનરસના પ્રતીકરૂપ હોવાથી આપણા કથાસાહિત્યનાં અમર પાત્રોની શ્રેણીમાં આપોઆપ બેસી જાય છે.
ચોથે, માનવજીવનના આટાપાટા, નિયતિ અને કુદરતના કરિશ્માને લેખિકાએ પૂરા તાદત્મ્ય અને તાટસ્થ્યથી નિરૂપ્યાં છે. એને કારણે આ નવલકથાનાં પાત્રો જે સમયમાં વિહરે છે તેની એક આબાદ તસવીર ઝિલાઈ છે. આ તસવીરમાં કથા તો છે જ, પમ જીવનની વાસ્તવિકતાઓ,વિડંબનાઓ અને વૈચિત્ર્યનો સ્વીકાર પણ સહજભાવે થયો છે.
સૌથી અગત્યની વાત એ છે કે આ જીવનના અખૂટરસની કથા છે. સુખ અને દુઃખના સાપેક્ષ્યથી ઉપર ઊઠીને આ અખેપાતર ભરાયું છે એટલે કદી ખાલી થવાનો પ્રશ્ન થતો નથી. લેખિકાની ભાષાનું લાઘવ એ ખરા અર્થમાં લાંછન એટલે કે ઓળખચિહ્ન બની રહે છે.
Be the first to review “Akhepatar”
You must be logged in to post a review.