હાસ્ય સાહિત્યમાં હાસ્યને ગંભીરતાનાં વસ્ત્રો પહેરાવીને કે પછી ગંભીરતાને હાસ્યનાં વસ્ત્રો પહેરાવીને જીવનને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં જોવું હોય તો, ગુજરાતી હાસ્ય સાહિત્યનું આ એક આદર્શ અને નમૂનારૂપ ક્લાસિક પુસ્તક `વૈકુંઠ નથી જાવું’ વાંચવું પડે.
આ નિબંધ સંગ્રહમાં રજૂ થયેલા નિબંધો નદીનો એવો પ્રવાહ અને કિનારો બનીને આવ્યા છે કે તમે ગાંભીર્યના કે ચિંતનાત્મક વિચારધારાના બંને કિનારા વચ્ચેથી વહી રહેતા હાસ્યના વહેણથી ભીંજાઈ રહ્યાં છો કે પછી હાસ્યના કિનારા વચ્ચેથી વહેતા ગાંભીર્યની છાલકથી અભિભૂત થઈ રહ્યાં છો એ નક્કી જ નહીં કરી શકો!
બકુલભાઈએ અહીં હાસ્યને `હાસ્ય ખાતર હાસ્ય’ રૂપે રજૂ નથી કર્યું એ જ, આ પુસ્તકને હાસ્યની — સાચા હાસ્યની ઊંચાઈ પર લઈ જાય છે. અહીં તમને હળવાશનો અનુભવ પૂરી ગંભીરતાથી અને ગાંભીર્યનો અહેસાસ પૂરી હળવાશથી કરી રહ્યા છો એની અનુભૂતિ જરૂર થશે.
હૃદયને સ્પર્શી જાય એવા બુદ્ધિગમ્ય હાસ્યનું આ વિરલ પુસ્તક વાંચ્યા પછી જિંદગી જીવવાની અને જીવન માણવાની હાસ્ય સાથેની માસ્ટર Key તમને મળી જશે એની ગંભીરતાપૂર્વક ગેરંટી!
Be the first to review “Vaikunth Nathi Javu”