સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાની વાતો ઘણી થાય છે. સ્ત્રીએ પુરુષ જેવા બનવું જોઈએ એવું પણ કહેવાતું રહ્યું છે. એવું નથી કહેવાતું કે પુરુષે, સ્ત્રી સમોવડા બનવું જોઈએ. એવું પણ નથી કહેવાતું કે પુરુષે બાળકને જન્મ આપવો જોઈએ, જેથી તે સ્ત્રી જેવો ગણાય, પણ એવું કહેવાય છે કે સ્ત્રીએ પુરુષ જેવા શક્તિશાળી બનવું જોઈએ. ખરેખર તો સ્ત્રી પોતે જ શક્તિ છે. તે કોમળ છે, નિર્બળ નથી. જે નવા જીવને જન્મ આપે તે નિર્બળ કેવી રીતે હોય? પણ, તેની કોમળતાને કમજોરી સમજી લેવાય છે. દેવીએ અસુરોનો નાશ કર્યો છે એ આપણે જાણીએ છીએ. એ કમજોર હોય તો આ શક્ય જ નથી. સ્ત્રીઓ ઑલિમ્પિકમાં, બીજી રમતોમાં ચંદ્રકો લાવે છે તે શક્તિ વગર અશક્ય છે. એ રીતે તો તે જગતના કેટલા બધા પુરુષો કરતાં આગળ છે!
એક વાત સમજી લેવાની રહે કે કુદરત પોતે સમાનતામાં જરા પણ નથી માનતી. તે એક નદી જેવી બીજી નદી નથી બનાવતી. તે એક દરિયા જેવો બીજો દરિયો નથી ઉછાળતી. તે બે પર્વતો, બે ઝરણાં, બે ફૂલો એક જેવા નથી બનાવતી, તો સ્ત્રી કે પુરુષને એકસમાન શું કામ બનાવે? જો સ્ત્રી ને પુરુષ એક જ બનાવવાનાં હોત તો એકલી સ્ત્રી કે એકલા પુરુષથી પણ કામ ચાલી ગયું હોત ને! પણ કુદરતે સ્ત્રી અને પુરુષને એકબીજાનાં પૂરક બનાવવા હતાં તેથી બંનેની જાતિ આજ સુધી અમલમાં રાખી છે. કુદરત યુગોની શરૂઆતથી છે, જૂની છે, પણ તે આપણા કરતાં વધુ અક્કલવાળી છે. તેણે સ્ત્રી-પુરુષમાં ભેદ રાખ્યો જ ને એમ જે-તેનું મહત્ત્વ પણ સિદ્ધ કર્યું.
Be the first to review “Stree”
You must be logged in to post a review.