ડૉ. વિરલ શુક્લએ બ્રિટન અને સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ પર પીએચ.ડી. કરેલ છે અને હાલ સરકારી કૉલેજ, લાલપુર ખાતે અંગ્રેજીનાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યની કવિતાઓ પર પ્રભુત્વ ધરાવો વિરલ આપણી ભાષાનો એક બળૂકો કવિ અને લોકશાસ્ત્રજ્ઞ છે જેની વાતો અને કવિતાઓમાં શબ્દો અને ઉપમાઓની ચમત્કૃતિ સાથે માત્ર ફરિયાદો નહીં પરંતુ ભારોભાર વાસ્તવિકતા અને વતનપ્રેમ ઠાંસી ઠાંસીને ભર્યો છે. વિરલ શુક્લ એ ગુજરાતી સાહિત્યનું આવતીકાલનું અજવાળું છે.
`શબદ એક જ મિલા’ જેવા ભાતીગળ ગઝલસંગ્રહ બાદ વિરલનું આ બીજું પુસ્તક તમારા હાથમાં છે એ સાંગોપાંગ યુદ્ધાવિષયક ટૂંકી વાર્તાઓ+કાવ્યોનું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક ગણી શકાય. ગુજરાતી, ડિંગળ અને વ્રજ ભાષામાં લખાયેલાં વિરલના યુદ્ધકાવ્યો આપણી થીજી ગયેલી, સિઝનેબલ રાષ્ટ્રભક્તિને બેઠી કરવા માટે સક્ષમ છે એવી મને શ્રદ્ધા છે.
ગુજરાતની આખી એક નવી જનરેશન જેણે યુદ્ધ જોયું જ નથી એ પેઢીને ભારતીય સેનાનું સંગઠન, શસ્ત્રો, શૌર્ય પદકો અને મર્દામર્દ જવાનોનો સચિત્ર પરિચય કરાવવાનો આ પુસ્તકનો શુભ આશય છે.
આમ તો સમગ્ર પુસ્તક જ શૂરવીરોની દિલેરીના દસ્તાવેજ જેવું છે પણ ખાસ કરીને કારગીલનું યુદ્ધ આજીવન યાદ રહે એવું સચિત્ર અને દિલધડક વર્ણન આ પુસ્તકમાં છે. દેશને પ્રેમ કરનારાં દરેક વ્યક્તિનાં દિલમાં આ પુસ્તક ચિરંજીવ સ્થાન પામશે એવા વિશ્વાસ સાથે વિરલને વધાવું છું અને જેનાં પાને પાને રાષ્ટ્રપ્રેમ અને શહાદત છલકે છે એવા આ અણમોલ પ્રયાસને પોંખું છું.
– સાંઈરામ દવે
Be the first to review “Shurvir Gatha”
You must be logged in to post a review.