પ્રેમ અને ઈશ્વર એટલે એક સિક્કાની બે બાજુ. બ્રહ્માંડમાં જ્યાં નજર પડે ત્યાં પ્રેમ અને ઈશ્વરની હાજરી તાદ્દશ દેખાય.
પર્વતો, નદીઓ, સાગર, આકાશ, ફૂલો આ બધાં પર જ્યારે નજર પડે ત્યારે જાણે કુદરતનાં જીવંત પ્રતીકો પૃથ્વી પર હોય તેવી અનુભૂતિ થાય. સંસારની ઘટમાળમાં માનવીય મૂલ્યો, સંબંધો અને તેમાંથી મળતી ખાટી-મીઠ્ઠી સંવેદનાઓ સતત ચિત્ત પર પ્રતિબિંબિત થતી રહે છે. આ સંવેદનાઓને શબ્દોમાં ઢાળવાનો મારો આ એક નમ્ર પ્રયાસ છે. કવિતાનું સર્જન કરવા ક્યારેય ખાસ પ્રયત્નશીલ રહ્યો નથી, પરંતુ અનાયાસે લખાય છે. હૃદયમાં સ્ફુરણા થાય અને એ શબ્દોમાં ઊતરી આવે છે.
એક ગઝલના સ્વરૂપે. ઈશ્વર જાણે શબ્દબ્રહ્મ રૂપે કાવ્યમાં પ્રગટ થાય છે. આ મારી હંમેશાં અનુભૂતિ રહી છે.
ગિરનાર પર્વતનું સિદ્ધ ક્ષેત્ર અને કુદરતી સૌંદર્ય સતત મને આકર્ષિત કરતું રહ્યું છે. ગિરનારના એક એક પથ્થરથી અલખના નાદ સતત રણકતાં રહે છે. એટલે જૂનાગઢી ગઝલકારોની રચનાના શબ્દોમાં પ્રેમ પદારથ સાથે અલખનો આરાધ પણ ધબકતો રહે છે. મારું આ શબદબ્રહ્મની આહલેક જગાવનાર શબ્દ યોગીઓની યાત્રામાં જોડાવા પ્રથમ પગલું છે.
આપ સૌ ભાવક મિત્રોને પસંદ પડશે તેવી આશા છે.
ચકડોળ સાથે ચાલતાં વારામાં હું નથી,
પોકળ ગગનમાં ગુંજતા નારામાં હું નથી.
જીવણ કરી જે વેઠ એ ક્યાં કામની હતી,
મસ્તક ઉપાડ્યો બોજ તે ભારામાં હું નથી
– દિલીપ ધોળકિયા ‘શ્યામ’ જૂનાગઢ
























Be the first to review “Bhangati Ratnu Jagran”
You must be logged in to post a review.