આધ્યાત્મિક રસ મૃત્યુ નામના દ્રવ્યને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવે છે
ઑસ્ટ્રિયન ન્યુરોલૉજિસ્ટ અને ફિલૉસૉફર વિક્ટર ફ્રેન્કલે કહેલું કે ‘આપણે જ્યારે કોઈ પરિસ્થિતિને બદલી નથી શકતા, ત્યારે આપણે જાત કે દૃષ્ટિકોણને બદલવા માટે મજબૂર બની જઈએ છીએ.’ આપણી નિયતિ સાથે જોડાયેલી મૃત્યુ કે લુપ્તતા નામની વાસ્તવિકતાને આપણે ક્યારેય બદલી શકવાના નથી. અંતે તો એ જ આપણા સહુનું અંતિમ અને અફર સત્ય છે. જિંદગીની ટાઇમ-લાઇન પર આગળ વધતા રસ્તામાં આવતો એક નિશ્ચિત, સુંદર અને કાયમી મુકામ એટલે મૃત્યુ.
આ પુસ્તકનો મર્મ, હેતુ અને ઇરાદો મૃત્યુને નોંતરવાનો કે તેનો મહિમા કરવાનો નથી. તેનો સ્વીકાર અને સત્કાર કરવાનો છે. આ પુસ્તકમાં મૃત્યુને ખાસ નિમંત્રણ પાઠવીને અકાળે બોલાવી લેવાની વાત નથી, પણ જ્યારે એના નિયત સમયે મૃત્યુ આપણું દ્વાર ખખડાવે ત્યારે ડર કે અફસોસ વગર તેને આવકારવાની સમજણ છે.
આ પુસ્તક આપણા દરેકમાં રહેલી એક ગર્ભિત અને સહિયારી અસલામતીને ઉઘાડી પાડે છે. આ સુંદર પૃથ્વી પરથી એક દિવસ કાયમને માટે લુપ્ત થઈ જવાની અસલામતી, ચિંતા અને ડર આપણા દરેકમાં રહેલો છે અને એનુ મુખ્ય કારણ આપણી ‘આઇડેન્ટિટી’ છે. આપણી ઓળખ જેટલી વધારે મજબૂત, લુપ્ત થઈ જવાનો ડર એટલો જ વધારે. મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર ઉપાય આપણી ઓળખ ખંખેરી નાખવાનો છે. ‘ડ્રૉપ યૉર આઇડેન્ટિટી’ એ દરેક આધ્યાત્મિક વિચારધારાનો મૂળભૂત અને મુખ્ય મંત્ર છે. આધ્યાત્મિક મથામણ વિના મૃત્યુનો સ્વીકાર અશક્ય છે. એવી જ કંઈક આધ્યાત્મિક સમજણની પ્રેરણા આપતો વિચાર એટલે ‘એને મૃત્યુ ન કહો’.
– ડૉ. નિમિત્ત ઓઝા
Be the first to review “Aene Mrutyu N Kaho”
You must be logged in to post a review.