ગુજરાતી સમકાલીન વાર્તા
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંડાણિયા વિસ્તારનું અસામલી ગામ કનુભાઈની જન્મભૂમિ અને કર્મભૂમિ. આ પવિત્ર ભૂમિના ઋણને, ફૂલ નહીં ને ફૂલની પાંખડીથી ફેડવા `અસામલીકર’ નામના ઋણ છોગાને માથે ચઢાવ્યું.
કનુભાઈ શરૂથી જ સાહિત્ય પિપાસુ રહ્યા છે. સાહિત્ય જગતમાં `ચીલો’ (1986) નામની વાર્તાથી ચીલો કંડારનાર કનુભાઈ આજે એ `ચીલો’ ચાતરીને સ્વબળે કંડારેલ રાજમાર્ગમાં એમણે કાપેલી મજલના માઇલસ્ટોન આ રહ્યા.
`સાવ અડોઅડ’ (કાવ્ય સંગ્રહ-2012) `સનેપાત’ (વાર્તા સંગ્રહ-2004) `અશ્રુપાત’ (વાર્તા સંગ્રહ-2009) નવ વર્ષના લાંબા અંતરાલ પછી એમની કલમ ફળી અને `ટર્નિંગ પૉઇન્ટ’ (વાર્તા સંગ્રહ-2019) ઉપરાંત `તાદાત્મ્ય’ (વાર્તા સંપાદન-2019).
શૅરવુડ એન્ડરસને ભલે ઘટનાને વાર્તાનું વિષ કહ્યું, પણ કનુ અસામલીકર કહે છે “ઘટના વગરની વાર્તા મારાથી ન જ લખી શકાય.” એમની વાર્તાઓ ઘટનાપ્રધાન હોવા છતાં એમાંની કેટલીક લાક્ષણિકતાઓ ધ્યાનાર્હ હોય છે.
એક તો એમની વાર્તાઓનું કથાનક મોટે ભાગે સ્ત્રી પુરુષના ઋજુ સંબંધોના તાણાવાણાથી ગૂંથાયેલું હોય છે. એમની વાર્તાના પાત્રો શહેરી હોય છે, પરિવેશ શહેરી હોય છે, એમના પાત્રોની ભાષા સુઘડ હોય છે. શહેરી પરિવેશ અને પાત્રો, નિરૂપણનો નાવિન્ય એમની વાર્તાને જીવંત રાખે છે. વાક્યસંરચના, લયલહેકા, અલંકારો, પ્રતીકો, ધ્વનિ, વ્યંજના એવી ભાષાકીય ઉપલબ્ધિથી એમની વાર્તાઓમાં વિનિયોગ શબ્દવૈભવ ઉડીને આંખે વળગે એવો હોય છે. જાણે અજાણે ફેન્ટસીનું તત્ત્વ પણ એમની વાર્તાઓમાં દૃષ્ટિ ગોચર થતું રહે છે.
કનુ અસામલીકર આખા બોલા જણ છે. એમને જે કહેવું હોય તે કહીને જ જંપે. ઓસ્કાર વાઇલ્ડના આ શબ્દો એમને બિલકુલ બંધ બેસે છે. “સાચી કલાકૃતિ એ અનન્ય સાધારણ સંવેદનામાંથી નીપજતું એક અદ્ભુત અદ્વિતિય સુપરિણામ છે. પરમ સત્યની અનુભૂતિ અને હકીકતમાંથી જ કલાકૃતિનું સૌંદર્ય પ્રગટતું હોય છે. બીજા લોકો તેની પાસે કેવી તથા શેની માંગણી કરી રહ્યા છે એની પરવા કલાકાર લેશ માત્ર કરતો નથી.”
કનુ અસામલીકરના નવા વાર્તા સંગ્રહો અગાઉના સંગ્રહની જેમ જ પોંખાશે એમાં શંકાને સ્થાન નથી. – શ્રીરામ જાસપુરા (કલોલ)
Be the first to review “Tadatmay (Varta Vaibhav)”
You must be logged in to post a review.