સોનાની નદીની શોધમાં!
પાપુઆ ન્યુગિની – આ નામ પણ ઘણાં લોકોને સાવ અજાણ્યું લાગે એવું છે. આપણે માની પણ ન શકીએ કે લગભગ 1970 સુધી આ પ્રદેશ દુનિયાના મુખ્ય પ્રવાહથી સંપૂર્ણપણે વેગળો હતો. ત્યાંના લોકો એકબીજાને મારીને ખાઈ જવાને સાવ સામાન્ય બાબત ગણતા હતાં. ‘માથું કાપો કે માથું આપો’ એવી ધૂનમાં જ જીવતી કપડાં વગરની પ્રજાને વીસમી શતાબ્દીના ઉત્તરાર્ધ સુધી ધાતુના ઉપયોગ વિશે ખબર નહોતી. વાંસ અને લાકડાનાં ઓજારોથી જ એ લોકો કામ ચલાવતા. એમાંય અસ્માત પ્રદેશ તો આરાફૂરા સમુદ્રના કાંઠે આવેલો કળણોથી ભરેલો પ્રદેશ, ભોજન સિવાય ત્યાંના લોકોના મનમાં એક જ ધૂન રહેતી, બસ, બદલો લેવો. એકબીજાનાં સગાંને મારીને ખાઈ જવાં અને મરી ગયેલાઓના આત્માને ખુશ કરવા જીવવું!
ઘરની મુખ્ય વ્યક્તિ અવસાન પામે એટલે એજ ઘરની સ્ત્રીઓ એનું મગજ તેમજ શરીર ખાઈ જાય અને બાર વરસથી નાનાં બાળકને પણ ખવરાવે એવી જુગુપ્સાપ્રેરક ઘટના એક આજ પ્રદેશમાં જોવા મળતી હતી. એનાં લીધે થતો કુરુ નામનો રોગ માણસને ભયંકર મોત આપતો. ‘કુરુ’નો છેલ્લો કેસ 2005ની સાલમાં નોંધાયો હતો. (એ હકીકત જ આ પ્રથા હજુ હમણાં સુધી ચાલતી હતી એ તરફ આંગળી ચીંધે છે!). આવાં વિચિત્ર પ્રદેશમાં વાડા-મેન નામના જાદુગરોની બીક આજના દિવસે પણ જોવા મળે છે. એમના વિચિત્ર જાદુના અને જાદુઈ શક્તિના બે કિસ્સાઓ તો બે અંગ્રેજ ન્યાયાધીશોએ નોંધેલા છે. આત્મા કાઢી લેવાની વિધિ, પુરીપુરી જાદુ, હેડ-હન્ટિંગ અને એનાંથી પણ વિશેષ, અઢળક સોનું જેની એમને કોઈ જ કિંમત નહોતી એ બધી વાતોએ મને એ પ્રદેશ વિશે વાંચવા મજબૂર કરી દીધો હતો. અને એ બધું વાંચ્યા પછી વાચકો સુધી પહોંચાડવા માટે જ આ સાહસકથા લખાઈ ગઈ. આશા છે કે વાચકોને ગમશે.
ડૉ. આઈ. કે. વીજળીવાળા
Be the first to review “Sona Ni Nadi Ni Shodh Ma”
You must be logged in to post a review.