મળી માતૃભાષા મને ગુજરાતી – ભોળાભાઈ પટેલ
ગુજરાતી ભાષા, સાહિત્ય અને સાહિત્યકારો વિશેના લેખો સાથે આ પુસ્તકમાં દેશ અને વિદેશના સાહિત્યની ચર્ચા સંગ્રહીત થયેલી છે. તેમ છતાં સમગ્ર ગ્રંથમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને ઉન્નયનનો આગ્રહ અન્તર્નિહિત છે. એ આગ્રહ કોઈ સાહિત્યકારના અભિનંદન નિમિત્તે કે કોઈ સાહિત્યકારને અપાયેલી અંજલિ રૂપે, કોઈ સાહિત્યિક ઘટના કે પ્રસંગ પરત્વે કે ક્વચિત્ કોઈ ટીકા રૂપે પ્રકટ થાય છે.
ભોળાભાઈ પટેલ વિવેચક, ભ્રમણવૃત્તોના લેખક, નિબંધકાર અનુવાદક તરીકે જાણીતા છે. ઉપરાંત તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર `પરબ’ના સંપાદક અને પછી તંત્રી તરીકે બે દાયકાથી વધારે સમયથી સંકળાયેલા હતા. એ `પરબ’ સામયિકના સંપાદકીય લખાણોમાંથી આ વિશિષ્ટ અને રસપ્રદ સંચયન તૈયાર કરવામાં આવ્યું છે.
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઈ તાળી
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી.
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
– ઉમાશંકર જોશી
Be the first to review “Mali Matrubhasha Mane Gujarati”
You must be logged in to post a review.