ગુજરાતી પુસ્તક પ્રકાશન, ભાષા અને સાહિત્યનું દંતકથા પ્રકરણ

ભગતભાઈ ભૂરાલાલ શેઠ. ૧૯૨૬માં સ્થાપિત થયેલી ગુજરાતી પુસ્તકોની પ્રકાશન સંસ્થા આર. આર. શેઠની કંપનીના સંચાલક અને વિભૂતિ કહી શકાય એવું સોનેરી અને તેજસ્વી વ્યક્તિત્વ. પોતાના પિતા ભૂરાલાલ શેઠના ૧૯૫૮માં થયેલાં અવસાન બાદ સંસ્થાની બાગડોર એકલે હાથે સંભાળવાની જવાબદારી તેમને આવી.

૬૩ વર્ષોથી પ્રકાશન પ્રવૃતિ સાથે જોડાયેલું રહેલું તેમનું વ્યક્તિત્વ. પુસ્તકો, પ્રકાશન એ બધું એમની માટે વેપાર કે ધંધો નથી, એ તો એમનું ઝનૂન છે. પોતાના પિતા પાસેથી મળેલાં ગાંધીવાદી સંસ્કારો અને તેમની પોતાના અનુભવોથી મેળવેલી દીર્ધદૃષ્ટિનું મિશ્રણ ગુજરાતી ભાષા, સાહિત્ય અને પ્રકાશનને ૫૦ ઉપરાંત વર્ષોથી દિશા આપી રહ્યું છે.

આધુનિકતા અને સમય સાથે તાલ મેળવીને સતત પરિવર્તન કરતાં રહેવું એ એમને સ્થાયી ભાવ છે. ગુજરાતી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક લેખકો સાથેનો તેમનો જીવંત સંપર્ક રહ્યો છે. ગુજરાતી ભાષાનાં અનેક લેખકો સાથે તેમનો પારિવારિક સંબંધ છે.

વાંચન તેમનો શોખ અને સારા લખાણને પારખી લેવાની તેમની આંતરિક શક્તિને કારણે અનેક નવોદિત લેખકોની લખાણને ઓળખીને તેમને વાચકો સુધી લઈ જવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતી અને રાષ્ટ્રીય ભાષાઓનાં અનેક લેખકો તેમની સાહિત્યિક સમજને માન આપતાં રહ્યાં છે. પ્રતિષ્ઠિત લેખકો અને પ્રકાશક વચ્ચેનો આ એક વિશિષ્ટ સંબંધ બની રહ્યો છે.

ગુજરાતી પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિમાં તેમનું લેજન્ડરી પ્રદાન રહ્યું છે. તેમણે દૃષ્ટિપૂર્વક કરેલાં અનેક પ્રકાશનોને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કારો પ્રાપ્ત થયાં છે. ભારતમાં પુસ્તક પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઑફ ઈન્ડિયન પબ્લિશર્સ દ્વારા તેમના પ્રદાન માટે ડિસ્ટીંગ્વિશ્ડ પબ્લિશર અને ડિસ્ટીંગ્વિશ્ડ બુકસેલરનો ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. ગુજરાતી પ્રકાશકોમાં આ બંને ઍવૉર્ડ મેળવનાર તેઓ એકમાત્ર પ્રકાશક છે.

ગુજરાત રાજ્યનાં પ્રકાશકો અને પુસ્તકવિક્રેતાઓ માટે સ્થાપવામાં આવેલાં ગુજરાતી પુસ્તક પ્રકાશક અને વિક્રેતા મંડળની સ્થાપનામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. આ મંડળના પ્રમુખ તરીકેની પણ જવાબદારી તેમણે નિભાવી છે. ગુજરાત રાજ્યનાં પ્રકાશકો માટે સ્થાપવામાં આવેલી ગુજરાતી પ્રકાશક મંડળની સ્થાપનામાં તેમણે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ગુજરાતી પ્રકાશક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલાં ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિના ઇતિહાસ અંગેના પુસ્તક પ્રકાશનની સમગ્ર પ્રક્રિયા સાથે તેઓ જોડાયેલાં છે. ગુજરાતનાં અને ભારતનાં દરેક ટોચનાં પ્રકાશકો સાથે તેમનાં સુમેળભર્યાં સંબંધો રહ્યાં છે. ગુજરાતી પ્રકાશન પ્રવૃત્તિને ગરિમાપૂર્ણ ઊંચાઈ મળે તેવાં તેમનાં સતત પ્રયત્નો રહ્યાં છે.

વ્યાવસાયિક સંબંધોની સાથે તેમણે પોતાનાં અંગત સંબંધોને પણ દિશા અને મજબૂતી આપી છે. પોતાના બહોળા પરિવાર માટે દીવાલ બની રહ્યાં છે. ૧૬ વ્યક્તિઓના તેમના સંયુક્ત પરિવારને જોડી રાખવામાં તેમનું મહામૂલું પ્રદાન છે. માત્ર ૧૬ વર્ષની ઉંમરે માતાપિતાનું છત્ર ગુમાવ્યું હોવાં છતાં આજે પત્ની, એક દીકરી, બે દીકરા, બે પુત્રવધૂઓ, જમાઈ અને ૮ પૌત્રો-પૌત્રીઓની લીલીવાડી તેમનાં જીવનનો સંતોષ અને ઉપલબ્ધિ છે. વિસ્તૃત પરિવારમાં પણ તેમણે આદરભર્યું સ્થાન અને સૌનો પ્રેમ અને લાગણી મેળવી છે.

જીવનની સંકુલતાઓ અને પડકારોની સામે તેમનાં પત્ની તેમની સાથે પડછાયાની જેમ રહ્યાં છે. પોતાનાં દરેક બાળકોને તેમણે સંસ્કારોની સાથે દરેક પડકારોને હરાવવાની શક્તિ, સમજણ અને ડહાપણ આપ્યું છે. તેમનાં સંબંધો તેમનાં પિતરાઈ ભાઈબહેનો, બનેવીઓ, ભાભીઓ, તે સૌનાં બાળકો, સાળાઓ, સાળાવેલીઓ, સાળીઓ, સાઢુભાઈઓ અને તેમનાં બાળકો સાથે સુમેળભર્યા અને લાગણીશીલ રહ્યાં છે.

એક જ વ્યક્તિમાં એકસાથે જોવાં મળે તેવાં અનેક ગુણો જેમ કે, ધીરજ, માન, સ્વમાન, સ્મિત, મક્કમતા, સંવેદનશીલતા, અભ્યાસ, નિર્ણયત્મકતા, નેતૃત્વશક્તિ, સત્યતા, સ્પષ્ટતા, સમ્માન, પ્રેમ, હાસ્ય, કરુણા, પારખુ દૃષ્ટિ, આધ્યાત્મિકતા, ઋજુતા, શ્રદ્ધા, જરૂર પડે ત્યારે આક્રોશ, પરિવારભાવના તેઓ ધરાવે છે. વાંચન, ફિલ્મો, સંગીત, પરિવાર સાથે કરાતી અસ્ખલિત વાતો, પ્રવાસ, ખોરાક, લેખકો-પ્રકાશકો સાથેની ચર્ચાઓ અને મિત્રો-સ્નેહીઓને ભેગાં કરવાનો તેમને શોખ છે.

તા. ૧૫-૦૫-૨૦૨૧, શનિવારના રોજ આ વિભૂતિએ પોતાનું દૈહિક જીવન ૭૯ વર્ષની ઉંમરે પૂર્ણ સંતોષથી સંકેલી લીધું છે.

તેઓ ક્યાંય ગયા નથી. સદાય રહેશે આપણી સાથે, આપણા વિચારોમાં, આપણા આચારમાં, આપણી સૌની સ્મૃતિમાં… 

આજે, કાલે અને સદાય…