Gijubhai Badheka
6 Books / Date of Birth:- 15-11-1885 / Date of Death:- 25-06-1939
ગિજુભાઈ બધેકા બાળસાહિત્યકાર તરીકે જાણીતા છે. તેમનો જન્મ ચિત્તલ (અમરેલી)માં થયો હતો. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા હતા. 1907માં આફ્રિકાગમન. 1909માં આફ્રિકાથી પાછા ફરીને 1910માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. 1913 થી 1916 સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર. 1916માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. 1918માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. 1929માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1936માં દક્ષિણામૂર્તિ ભવનમાંથી નિવૃત્ત. ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે.