લેખક આંતરવિશ્વની અજાયબીઓના અનુભવી છે. દેહથી યુવા વય ધરાવતા પ્રવચનકારે પોતાના જીવનનો મોટો ભાગ 'સત્ય'ની શોધથી લઈ 'સત્ય'ને નિમિત્ત ભાવે અન્ય સુધી પહોંચાડવામાં વ્યતિત કર્યો છે. આત્મતત્વ, જગતનું સત્ય, અસ્તિત્વના રહસ્યોમાં પોતાના અનેક જન્મોના સંસ્કાર અને પરમાત્મા તથા પરમાત્મપ્રાપ્ત જ્ઞાની સંતોની કૃપાને કારણે સહજ અને પ્રબળ રૂચિ રહી છે. તમામ ધર્મો, સંપ્રદાયો, અનેક વિચારકોનો અભ્યાસ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. આથી, ઘણા રહસ્યો ઉદ્ઘાટીત થયા છે. હાલ કર્મોદયે સંસારમાં ગૃહસ્થાશ્રમી છે. અને વ્યવસાયે સરકારી પદ ધરાવે છે. તેમના નિમિત્ત ભાવે અપાયેલા માર્ગદર્શન અને આધ્યાત્મિક ચર્ચા થકી અનેક સત્યશોધકો, અધ્યાત્મ સાધકોની યાત્રા પોતાના ગંતવ્ય બાબતે સ્પષ્ટ અને સરળ બની છે. તેઓ પોતાનો પરીચય આપતા ખાસ કહે છે ''હું મારા ગુરૂદેવના ચરણની ધુળ બરાબર પણ નથી." ભૌતિકશાસ્ત્રના સ્નાતક એવા તેમનું જીવનવન અધ્યાત્મના ગ્રંથોથી ચિત્કાર ભરેલું છે. તેમણે 'સત્ય' શોધવા નામી અનામી સ્થળોને સાધનાભૂમિ બનાવી છે.